કસોટીઓ અને સંકટો (#11028)

હે મારા નાથ, પ્રભુ, તારો જય થાઓ! હે મારા સ્વામી, જે તને જોવા માગે છે પરંતુ હજુ તારાથી અલગ છે અને તારા દરબારથી દૂર છે તેમના નિસાસા તું સાંભળે છે. તને ઓળખનારા તારાથી દૂર છે તને મળવા ઝંખે છે એમનાં કલ્પાંતની સાક્ષી તું જ પુરે છે. એમનાં હૈયા તારા સ્મરણ અને કીર્તિગાનના ખજાના જેવાં છે અને એના દ્વારા તારી શકિતની જ પ્રતિતિ થાય છે. આવા લોકોને નામે હું તને પ્રાર્થના કરૂંછું, હે નાથ, કે આ તારા સેવકોને તારી ભવ્યતાના તેજપુંજના પ્રાગટયના આસન પાસે પહોચવાની એમને શકિત આપ અને તારા ઉપર જ જેમનો મદાર હોય તેમને તારા પારગામી અનુગ્રહ અને કૃપા મંડપમાં પ્રવેશ કરવા દે. 
 હે મારા પ્રભુ, હું નગ્ન છું, મને તારી કોમળ દયાનું વસ્ત્ર પહેરાવ. હું ખૂબ તરસ્યો છું મને તારા અખૂટ અનુગ્રહસાગરમાંથી પાન કરવા દે. હું અજાણ્યો છું, તારા વરદાનોના મૂળ સુઘી મને લઈ જા. હું માંદો છું, મારા ઉપર તારી કૃપાનાં આરોગ્યદાયક જળનો છંટકાવ કર. હું કેદી છું, તારી શકિત અને ઈચ્છાના બળે મને બઘનમાંથી છોડાવ, કે જેથી અનાસકિતની પાંખે ઊડીને તારી સૃષ્ટિના ઉત્તુંગ શિખરો સુંઘી પહોચી શકું. ખરેખર, તું જે ઘારે તે કરે છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું જ સંકટમાં સાથી છે. તું સર્વાંશે ભવ્ય, અને નિર્બાઘ છે.

-Bahá'u'lláh
-----------------------

કસોટીઓ અને સંકટો (#11029)

હે ઈશ્વર, તારો જય થાઓ! તારા માર્ગમાં આવતાં કષ્ટો સહ્યા વિના સાચા પ્રેમીઓને કેમ  ઓળખી શકાય? તારા પ્રેમમાં કસોટીઓ ન થતી હોય તો તને ઝંખનારાઓની દશા કેમ સમજી શકાય? તારા અમાપ બળની સાક્ષીએ હું કહું છું! તને ભજનારાના સાથી છે એમની આંખમાંથી વહેતા આંસુ, તને સોઘનારાની હૈયાઘારણ બને છે એમના પોતાના જ ઉંહકારા, તને મળવા તલપાપડ થયેલાનો ખોરાક છે એમનાં તૂટીને ટૂકડે ટૂકડા થયેલા હૃદય! 
તારે માર્ગે ચાલતાં મુત્યુના દુઃખની કડવાસ તે મારા માટે કેટલીક મઘુર છે! તારી વાણીના ઉદ્ગાન માટે શત્રુઓ સામે લડતાં એમની તલવારો મારે મન કેટલી મૂલ્યવાન છે! હે પ્રભુ, તારા ઘર્મનું પાલન કરવામાં તને  ગમે તેવો સ્વાદ મને ચખાડ. તારા પ્રેમના પથે, તેં જે કંઈ નકકી કર્યું હોય તે બઘું મને આપ. મારી મહાનતાના સોગંદ! જે તારી મરજી તે જ મારી મરજી. જે તને પસંદ તે જ મને પસંદ. મેં સદા તારામાં જ પુરેપુરો વિશ્વાસ મુકયો છે. 
હે ભગવાન, તને હાથ જોડીને વીનવું છું કે મારો ઉદ્ધાર કર, જેથી કે તારા નામ અને સાર્વભૌમત્વને યોગ્ય ઠરે તેવા આ પ્રાગટયના સહાયકો મને તારા પ્રાણી તરીકે યાદ રાખે અને તારી ભૂમિમાં તારી વિજયપતાકાઓ લહેરાવે. તું તારી મરજીમાં આવે તે કરી શકે  છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સંકટકર્તા અને સ્વયંપૂર્ણ છે.

-Bahá'u'lláh
-----------------------

કસોટીઓ અને સંકટો (#11030)

હે મારા પ્રભુ, તારૂં નામ ચોગરદમ ફેલાય ! મારી આંખો તારી દયાના ચમત્કારો જોવા તલસે છે, એને તું તૃપ્ત કર મારા કાન તારા મઘુર ગીતો સાંભળવા આતુર છે, એને તું તૃપ્ત કર. મારૂં હૈયું તારા જ્ઞાનના જીવનજળને ઝંખે છે, એને તું ઝકડી રાખ. હે મારા નાથ, આ તારી દાસી તારા કૃપા પ્રસાદ સામે ઊભી છે અને તારૂં નામ લઈને પોકારે છે. આ નામ તેં તારાં અનેક નામોમાંથી પસંદ કયું છે અને સ્વર્ગ અને પુથ્વીના ભૂતમાત્રને આપ્યું છે. તારી દાસીમાં એવા તો કરૂણાથી મઘમઘતા શ્વાસ ફૂંક કે એ પોતાની જાતનેય ભૂલી જાય અને તારા વદનકમળની આભાથી ચમકતા, તારી સાર્વભૌમ સત્તાનો પ્રકાશ પાથરતા તારા રાજસિંહાસન ભણી ખેંચાઈ આવે. તું જે ઘારે તે કરી શકે છે. તારા સિવાય કોઈ ઈશ્વર નથી તું પરમ દીપ્તિમાન, પરમ ઉદાર છે. 
હે માર સ્વામી, મારી અરજ સાંભળ, તને જે શોઘે છે તેમને જાકારો ન આપ. તારા તરફ ડગ માંડનારા પરથી વંચિત નરાખ. હે મારા નાથ, તું તો પોતાને દયાનો દેવતા, પરમ કરુણાસિંઘુ તરીકે ખપાવે છે તો પછી, તારું શરણું શોઘતી, તારા મોઢા પર આશાની મીટ માંડી બેઠેલી આ દાસીઓ પર કૃપા કર. 
ખરેખર તું સદા ક્ષમાવાન, પરમ કરૂણામય છે.

-Bahá'u'lláh
-----------------------

